|
હું મારા કાર્યાલયના સહકાર્યકરો સાથે ફેબ્રુઆરી ૨૦૧૦ના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના ઉનાઈ ખાતે પર્યટનમાં ગયો હતો. કેથલિક માહિતી સેવા કેન્દ્રની ભવ્ય રજત જયંતી ઊજવ્યા પછી મારી નાની બહેન સિસ્ટર લીસીના આમંત્રણથી અમે ઉનાઈ પહોંચ્યાં હતાં. ત્યાં વેદ્રુના નિકેતન સંસ્થાના ઉપરી સિસ્ટર લીસી પોલ અને એમના કોન્વેન્ટનાં આઠેક સિસ્ટરોએ પોતાના મોટાભાઈ તથા કુટુંબ આવ્યું હોય એટલા ઉમળકાથી અમને આવકાર્યા અને બધાં સિસ્ટરો હરખભેર અમારી પરોણાગત કરવા લાગ્યાં.
ઉનાઈ ખાતે બિલકુલ આદિવાલી શૈલી અને સંસ્કૃતિ પ્રમાણે બાંધેલા જીવનજ્યોત દેવળમાં રવિવારની ઉપાસનાવિધિ પછી તરત જ એક સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. અમને મંચ પર બોલાવવામાં આવ્યાં ત્યાં સુધી અમારા માટે જ યોજેલા એ સન્માન સમારંભનો અમને બિલકુલ ખ્યાલ નહોતો.
આચાર્ય સિસ્ટર સુહાનીએ અમારી ઓળખ આપતાં કહ્યું કે, “ફાધર વર્ગીસ જાણીતા લેખક છે અને આપણી વિદ્યાકિરણ સ્કૂલનાં સંચાલિકાબહેન સિસ્ટર લીસી પોલના મોટા ભાઈ છે અને તેઓ પોતાના સહકાર્યકરો સાથે આપણી મુલાકાતે આવ્યા છે.” પછી સિસ્ટર સુહાસિનીએ અમારો દરેકનો પરિચય આપ્યો.
ઉપાસનાવિધિ દરમિયાન જીવનજ્યોત કુમાર છાત્રાલય અને વેદ્રુના નિકેતન કન્યા છાત્રાલયનાં છોકરી-છોકરીઓને ભગવાન ઇસુએ ઉદ્દબોધેલી નીડરતા અંગે ઈસુના જ જીવનના ચોક્કસ પ્રસંગોના દાખલાઓ સાથે મેં ધર્મબોધ કર્યો હતો. સિસ્ટર સુહાસિનીએ આપેલા મારા પરિચયમાં મારું પ્રથમ અને આજે અપ્રાપ્ય પુસ્તક “જીવન પટોળામાં ધર્મની ભાત” તેમણે સાચવી રાખ્યું છે એમ જાણવામાં મને સાનંદાશ્ચર્ય થયું હતું.
પણ તરત જ તેમણે પોતાની શાળાનાં બાળકોને પ્રસંગોચિત સંદેશ આપવા મને ખૂબ ઉમળકાથી આમંત્રણ આપ્યું ત્યારે અણધારી રીતે સંદેશ આપવાની વાત મારે માટે બિલકુલ અપ્રતીક્ષિત હતી. મારી કોઈ તૈયારી નહોતી. પણ મારી સામે બેઠેલાં ચારસો છોકરા-છોકરીઓની આંખમાં મેં એમના મોંઘેરા લેખક-મહેમાનની વાત સાંભળવાની આતુરતા જોઈ અને શુભસંદેશમાં બાળકોથી ઘેરાયેલા ભગવાન ઈસુનું દશ્ય મારા સ્મરણપટ પર આવ્યું. અને એની સાથે પ્રાતઃસ્મરણીય પોપ જોન પોલ બીજાના જીવનની એક પ્રસંગકથા પણ મારા સ્મરપણ પટ પર ઊપસી આવી.
એક દિવસ ક્રોકોવના કાર્ડિનલ વૈતિલ્યા-પોપ બન્યા એ અગાઉનું તેમનું નામ વૈતિલ્યા હતું. તેઓ બહારગામ જવા માટે કારમાં બેસવા જતા હતા ત્યાં પડોશની એક વૃદ્ધાએ લાકડીના ટેકે એમની પાસે આવીને ફરિયાદ કરી કે ત્યાંના કેટલાક છોકરાઓ એમની લાડલી બિલાડીને લઈને મેદાનમાં ભાગી ગયા છે. ઉતાવળે બહારગામ જતા ધર્માધ્યક્ષ વૈતિલ્યાને રોકી વૃદ્ધાએ કરેલી ફરિયાદ એમના મદદનીશોને રુચી નહિ. પણ કાર્ડિનલ વૈતિલ્યાએ પ્રેમથી વૃદ્ધાને કહ્યું, “માતાજી, એમ વાત છે તો આપણે મેદાનમાં છોકરાઓ પાસે જઈએ. ચાલો, આપ ગાડીમાં બેસો.”
કાર્ડિનલ વૈતિલ્યા કારમાં વૃદ્ધા સાથે મેદાનમાં તોફાની છોકરાઓ પાસે પહોંચ્યા અને તેમણે બાળકોને ખૂબ પ્રેમથી કહ્યું, “મારા બાળ દોસ્તો, આ માજીની બિલાડી તમે એમને આપી દો.” પોતાના પ્રાન્તના ધર્માધ્યક્ષ પૂજ્ય કાર્ડિનલ વૈતિલ્યાને પોતે રમતા મેદાનમાં અપણધાર્યા આવેલા જોઈને છોકરાઓને સાનંદાશ્ચર્ય થયું. તેમણે તરત જ વૃદ્ધાની બિલાડી તેમને સોંપી દીધી. ઉચ્ચ વિચારો અને પ્રબુદ્ધ બોધોથી ધર્મપ્રાન્તને આગેવાની પૂરી પાડનાર કાર્ડિનલ વૈતિલ્યા રમતના મેદાનમાં બાળકો પાસે ગયાની વાત જાણીને અને બાળકો સાથેનું એમનું સાદગી સભર અને પ્રેમભર્યું વર્તન જોઈને લોકો અચરજ પામ્યા.
મેં મારી સામે બેઠેલા આતુર બાળશ્રોતાઓને કહ્યું કે, “પોલેન્ડમાં ક્રાકોવના ધર્માધ્યક્ષ અને પછી વડાધર્મગુરુ જોન પોલ બીજાને નામે પોપ તરીકે ચૂંટાઈ આવેલા કાર્ડિનલ વૈતિલ્યાએ બાળકો સાથે ખૂબ પ્રેમ અને મમતાથી વર્તવામાં ઈસુ ખ્રિસ્તનું જ અનુકર કર્યું છે. ઈસુને નાનાં બાળકો ખૂબ પ્રિય હતાં. એક દિવસ ઈસુ શિષ્યો સાથે ગામે ગામ ફરી માનવજાત માટે ઈશ્વરપિતાના પ્રેમની ઘોષણા કરતાં કરતાં એક ગામમાં પહોંચી ગયા. ખૂબ થાકીને લોથપોથ થયેલા ઈસુ વિશ્રામ કરતા હતા. એવામાં ઈસુ ગામમાં આવ્યા છે એ સમાચાર જાણીને લોકો પોતાનાં બાળકો સાથે ઈસુ પાસે આવવા માંડયાં. તેઓ ઈચ્છતા હતા કે ઈસુ બાળકોના માથે હાથ ફેરવીને તેમને આશીર્વાદ આપે. (માથ્થી ૧૯, ૧૩-૧૫; માર્ક ૯, ૧૩-૧૬; લૂક ૧૮ ૧૫-૧૭)
પોતાનાં બાળકોને લઈને ઈસુ પાસે આવતા લોકો કરતાં શિષ્યો પોતાના ગુરુજી ઈસુના વધારે સારી રીતે ઓળખે છે. તેઓ ગુરુજી જોડે ગામેગામ ફર્યા છે. ઈસુએ તો દરેક ગામમાં લોકોને ઈશ્વર પિતાનો જનતા માટેનો પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યા છે. માંદાં લોકોને સાજાં કર્યા છે. આંધળાઓને દેખતા કર્યાં છે. અપંગને સાજોસમો કર્યો છે. અનિષ્ટ તત્વોના વળગાડથી ઈસુએ લોકોને મુક્ત કર્યા છે. હવે શિષ્યોને ખબર છે કે પોતાના ગુરુજીને નિરાંતે બેસા આરામ કરવાની જરૂર છે. એટલે બાળકોને કેડે લઈને ઈસુના આશીર્વાદ માટે આવી માતાઓને શિષ્યો રોકતા હતા.
ઇસુએ આવું બધું જોઈને શું કર્યું? તેમણે પોતાના શિષ્યો ઉપર ગુસ્સે થઈને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. એમને રોકશો નહિ, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાનું જ છે. હું તમને ખાતરીથી કહું છું કે, જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રેવશ પામવાનો નથી” (માર્ક ૧૦, ૧૪-૧૫).
ઈસુને બાળકો પર ખૂબ પ્રેમ હતો. ઈસુ બાળકોની કદર કરતા હતા. એટલું જ નહિ પણ બાળકોને આગળ કરીને તેમના જેવા બની જવા આદેશ આપે છે. ઈસુ બાળકોને બીજાઓની આગળ આદર્શ નમૂના તરીકે ઘરે છે! કારણ, તેઓ બાળકોને બરાબર આળખે છે. તેઓ જાણે છે કે બાળકો નિર્દોષ હોય છે. બાળકો કોઈને ધિક્કારતાં નથી. એમનામાં કોઈ કપટ, ગર્વ કે અહંકાર નથી. બાળકો અંદરોઅંદર ઝઘડા કરે તો પણ તરત જ ભૂલી જઈને એકબીજાને માફી આપવા સાથે પૂર્વવત સંબંધ રાખે છે. એકબીજા જોડે હળેમળે છે. એકબીજા જોડે રમે છે ઈસુ બાળકોને બરાબર આળખે છે અને તેમને જેમ છે તેમ સ્વીકાર કરે છે.
ત્રણેય શુભસંદેશકારોએ – માથ્થી, માર્ક અને લૂકે – બાળકો અને ઈસુ વિશે કરેલી વાતમાં આપણે એક વિશેષતા જોઈ શકીએ. બાળકોને ઈસુ પાસે લઈ આવનાર કોણ છે ? બાળકોની માતાઓ જ પોતાનાં બાળકોને ઈસુ પાસે લઈ આવે છે. ઈસુના વખતમાં હાલની જેમ નાનાં બાળકોને ભણાવવા માટે કોઈ શાળા કે શિક્ષક-શિક્ષિકાઓ નહોતાં. માતા જ પોતાનાં બાળકોની વાલી અને શિક્ષક-શિક્ષિકા બની જતી હતી.
આજે બાળકોને ઈસુ પાસે કોણ લાવશે ? બાળકોને પોતાની પાસે લાવવાનું કામ ઈસુએ આજના જમાનામાં શિક્ષક-શિક્ષિકાઓ અને અન્ય વાલીઓને સોંપ્યું છે. બાળકોને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવા સાથે બાળકોને ઈસુ પાસે લાવવાની જવાબદારી પણ એમનાં શિક્ષક-શિક્ષિકાઓ અને વાલીઓએ બાળકોને ઈસુ પાસે લાવીને એટલે ઈસુના પ્રેમ, કરુણા, સેવા માફી જેવા સંદેશથી બાળકોનું બૌદ્ધિક ઘડતર કરવા સાથે એમનું આધ્યાત્મિક ઘડતર કરવાની પણ જરૂર છે.
શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે તૈયાર કરવામાં આવેલાં બાળકો આંતરિક આનંદ અનુભવશે. ઈસુ ભગવાનની અનુભૂતિ કરશે. જીવનના પડકારો સમતુલતાથી ઝીલવાનું શીખશે અને ભવિષ્યમાં તેઓ આદર્શ નાગરિકો બનશે. તેઓ પોતાના જીવનમાં નાનીમોટી સિદ્ધિઓ હાંસલ કરશે. અંગ્રેજીમાં એક કહેવત છે ક, “બાળક માણસના પિતા છે” (“Child is the father of man”)
છેલ્લે મારી આગળ બેસીને એકધ્યાનથી મને સાંભળી રહેલાં બાળકોને મેં કહ્યું કે તેઓ ખરેખર ભાગ્યશાળી છે. અહીનાં પ્રેમાળ સિસ્ટરો, ફાધરો તથા અન્ય નિષ્ઠાવાન શિક્ષક-શિક્ષિકાઓની ભેટ તમને આપીને ઈસુએ તમારા પર પોતાની પ્રસન્નતા ઉતારી છે. તમારા પર અઢળક આશીર્વાદ વર્ષાવ્યા છે. હવે તમે એમનાં પ્રેમ અને સેવાની કદર કરીને એમની દોરવણી હેઠળ તમારાથી થાય એવું શ્રેષ્ઠ કામ કરો. એક ઉજ્જવળ ભાવિ તમને બોલાવે છે. જય ઈસુ, જય આદિવાસી. (લેખક સાથે સંપર્ક : ciss@satyan.net.in)
|